यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।

अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ।।

पवित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।

धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ।।

અર્થાત્ “જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનો ફેલાવો થાય છે, ત્યારે ત્યારે હું સ્વયં જન્મ ધારણ કરું છું. સજ્જનોની રક્ષા, દુષ્ટોના વિનાશ અને ધર્મની પુન:સ્થાપના માટે હું દરેક યુગમાં અવતરિત થતો રહું છું.”

ભારતભૂમિ પર સંવત 1837ની ચૈત્ર સુદ નોમનો દિવસ એટલે પૃથ્વી પર એકાંતિક ધર્મના સ્થાપનાનો દિવસ. આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રી ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ ઘનશ્યામ પાંડે હતું. માત્ર છ વર્ષની નાનકડી વયે કાશીમાં વિશિષ્ટાદ્વૈતનું સ્થાપન કરી ધર્મસભા જીતી. 11 વર્ષની કૂમળી વયે ધર્મના સંસ્થાપન માટે ગૃહત્યાગ કરી વિચરણ કરવાનો પ્રારંભ કર્યો. ભારતભૂમિના તીર્થોને તીર્થત્વ આપી 12,000 કિ.મિ.નું વિચરણ કર્યું અને તેઓ નીલકંઠવર્ણી નામે ઓળખાયા.

નીલકંઠવર્ણી વન-વિચરણ કરતાં કરતાં લોજ ગામે પધાર્યા. ત્યાં સંવત 1857ના કારતક સુદ અગિયારસના શુભ દિને પીપલાણામાં શ્રી રામાનંદ સ્વામી પાસેથી દીક્ષાગ્રહણ કરી સહજાનંદસ્વામી નામ ધારણ કર્યું. સં.1858માં કાર્તિક સુદ એકાદશીના શુભ દિને રામાનંદસ્વામીએ સહજાનંદસ્વામીને ધર્મધુરા સોંપી. આમ, શ્રી સહજાનંદ સ્વામીની ધર્મધુરા ધારણ કર્યા પછીના સમયને શ્રી સહજાનંદ ચરિત્ર તથા શ્રીજી ચરિત્ર વિહાર તરીકે ઓળખવામાં આવે છે. સહજાનંદ સ્વામીએ ત્રણ દાયકાથી પણ ઓછા સમયમાં ધર્મસુધારણા અને સમાજસુધારણાનું ભગીરથ કાર્ય કર્યું.

શ્રીજી મહારાજના અપ્રતિમ અને દિવ્ય મહિમાને આત્મીય વિદ્યા મંદિરમાં તા.20/07/2015 થી તા.25/07/2015 સુધી અઠવાડિક પ્રાર્થનાસભામાં ગાવામાં આવ્યો. શ્રીજી ચરિત્ર વિહારમાંથી ભૂલકાંઓને સુંદર બોધપાઠ મળે તે હેતુથી ઘણા પ્રસંગોને શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાસભામાં વર્ણવવામાં આવ્યા.

શ્રી સહજાનંદ સ્વામીમાં અતૂટ વિશ્વાસ રાખવાથી આપણી સઘળી ચિંતાઓ, વિટંબણાઓ અને સર્વે દુ:ખોનું નિવારણ થાય છે. આ વાતને સમર્થન આપતા બે પ્રસંગો શનિવારની પ્રાર્થનાસભામાં ભજવવામાં આવ્યા હતા. જેમાં શ્રીજી મહારાજ અને સુરતના અરદેશરજી કોટવાલ તથા શ્રીજી મહારાજ અને શુકમુનિજી વચ્ચે બનેલી ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં નાના નાના ભૂલકાંઓએ અતિ ઉમંગે ભાગ લઈને એક અનેરો સંદેશ પાઠવ્યો કે,

  • આપણે કોઈપણ પરિસ્થિતિમાં હોઈએ પણ ભગવાન પરનો આપણો વિશ્વાસ ક્યારેય તૂટવો કે ડગમગ થવો જોઈએ નહિ. કારણ કે “દાસના દુશ્મન હરિ કે’દી હોય નહિ, જેમ કરશે તેમ સુખ જ થાશે.” માટે દુ:ખના સમયે ભગવાનનું સ્મરણ કરવું અને તેમના પર અખંડ વિશ્વાસ રાખવો.
  • શ્રદ્ધાની શક્તિ ચમત્કાર સર્જે છે. માટે આપણે સૌએ હરતાં-ફરતાં, ખાતાં-પીતાં, ઊંઘતા-જાગતા, વાચતાં-રમતાં એવી દરેક પરિસ્થિતિમાં ઈશ્વરસ્મરણ કરતાં રહેવું જોઈએ તો મહાકાળ પણ જીતી શકાય છે. વિશ્વાસ રાખી ભજન કરીએ તો ભગવાન આપણી સહાય કરે છે.

આમ, કોઈએ સાચું જ કહ્યું છે કે, “Have Faith in God, Miracles Happen.”

જય સ્વામિનારાયણ.

-ગૌતમ સર