યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ।।4.7।।
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્
ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ।।4.8।।
અર્થાત્: જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું.
શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે ત્રેતાયુગમાં પૃથ્વી પર અસુરોનો ઉપદ્રવ વધવાના કારણે ભગવાન વિષ્ણુએ આસુરી શક્તિઓનો નાશ કરવા માટે શ્રી રામના રૂપમાં ચૈત્ર સુદ નવમીના દિવસે, બપોરે 12 કલાકે આ પાવન ધરા પર અવતાર લીધો હતો. માટે આ દિવસને આપણે બધા રામનવમી તરીકે આજે પણ ધામધૂમથી ઉજવીએ છીએ. શ્રી રામે પોતાના સંપૂર્ણ જીવન દરમિયાન પોતાના માતા- પિતા, ગુરુ, પત્નિ, નાના ભાઈઓ પ્રત્યેની ફરજો ઉપરાંત, કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવી છે. માટે આ રામનવમીના દિવસને માત્ર ભગવાનના જન્મોત્સવ તરીકે જ નહીં, પરંતુ તેમના સમગ્ર વ્યક્તિત્વને ઉજવી રહ્યા છીએ.
જેમ ભગવાન રામે આસુરી શક્તિઓનો નાશ કરવા માટે અવતાર ધારણ કર્યો હતો, તેવી જ રીતે ભગવાન સ્વામિનારાયણે તેમના યોગમાં આવેલા તમામ જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે, તે જીવોને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી બ્રહ્મરૂપ કરવા માટે આજના દિવસે એટલે કે સંવત ૧૮૩૭માં અયોધ્યા પાસેના આવેલા છપૈયા ગામમાં પિતા ધર્મદેવ અને માતા ભક્તિ દેવીના ઘરે રાત્રે ૧૦:૧૦ કલાકે ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રગટીકરણ થયું હતું. તેથી આ દિવસ હરિજયંતી તરીકે પણ ઉજવાય છે.
આ શુભ અવસરે આત્મીય વિદ્યા મંદિરમાં રાત્રે 9:30 કલાકે હિમાંશુ સર અને જૈમીન સરના માર્ગદર્શન હેઠળ કિર્તન-ભક્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં, ભગવાન રામ અને ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવના મહિમામાં તરબોળતાં કિર્તન ગાવામાં આવ્યાં હતાં.
જેના બોલ હતા… “मेरी झोपड़ी के भाग, आज जाग जाएंगे, राम आएँगे”, અને “પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ માળિયા રે ત્યારે”. ત્યારબાદ સ્વામીશ્રી તથા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ રામનવમી અને હરિજયંતી નિમિત્તે વહાવેલી પરાવાણીનો સૌને લાભ મળ્યો. જેમાં તેઓએ આપણા સૌને સમજાવ્યું કે, આપણે શિક્ષાપત્રી પ્રમાણે તથા સંતપ્રધાન જીવન જીવવું જોઈએ, વચનામૃત પ્રથમ 16 અને 18 પ્રમાણે અંત:કરણ અને ઇન્દ્રિઓનો સ્વધર્મ પાક્કો રાખીએ, અને ભગવાન, ભગવદી અને ભક્તો આગળ હંમેશા નમતા રહી, શુભવિચારસભર, નિર્ભય અને નિશ્ચિંતતાભર્યું જીવન જીવી, ભગવાન રામ તથા ભગવાન સ્વામીનારાયણે સ્થાપેલા આદર્શોને જીવનમાં ઉતારી સાચી રીતે આ ઉત્સવને ઉજવીએ.
અંતમાં, બધા બાળકો અને શિક્ષકગણે ભેગા મળી ભગવાનની આરતી ઉતારી અને પ્રસાદ ગ્રહણ કર્યો.
ગૌતમ સર