Simple Life High Thinking

Simple Life High Thinking નો અર્થ થાય છે કે “સાદુ જીવન, ઉચ્ચ વિચાર.”

સાદુ જીવન અને ઉચ્ચ વિચાર નામની સુક્તિનો અર્થ વ્યક્તિના વ્યક્તિત્વ અને ચરિત્રથી છે.સાદુ જીવન એટલે જરૂરિયાત મુજબની વસ્તુઓનો ઉપયોગ, અને ઉચ્ચ વિચાર એટલે ઉત્તમ વ્યવહાર. જ્યારે આપણા વિચાર ઉચ્ચ હોય ત્યારે એ વિચારોને આચારમાં ઉતારવાની કળા પણ હાંસલ કરવી પડે છે. અને એ વિચારો જ્યારે આચારમાં આવે છે ત્યારે આપણી જિંદગીમાંથી ઘણી બધી મુશ્કેલીઓ દૂર થતી જાય છે. તેથી આપણા વિચારોમાં ભીડ રહેતી નથી અને મન પર ઓછી ભીડને કારણે એનું વ્યવસ્થાપન સરળતાથી થઈ જાય છે અને આપણું જીવન સાદુ બને છે.

જે વ્યક્તિ સાદુ જીવન જીવે છે તે જરૂરિયાત મુજબ જ વસ્તુઓ રાખે છે. પરંતુ આજનો માનવી દેખાદેખી પ્રમાણે વસ્તુઓ રાખે છે. જો મારો પડોશી કાર લે તો મારી પાસે પણ કાર હોવી જ જોઈએ, જો પડોશીના ઘરમાં નવી ટેક્નોલોજી વાળું washing machine આવે તો મારે પણ લેવું જોઈએ, જો મારો મિત્ર iPad Air લે તો મારે તેની જરૂર ન હોવા છતાં લેવું જ જોઈએ. આમ, આ બધા ઉદાહરણો બતાવે છે કે મારું જીવન સાદુ નથી. સાદુ જીવન જીવનારા વ્યક્તિને કોઈપણ લોભ કે લાલચ પોતાની તરફ આકર્ષિત નથી કરી શકતું. તે પોતાના ઉચ્ચ વિચારોથી સંપૂર્ણ જગતમાં સન્માન પ્રાપ્ત કરી શકે છે.

સાદુ જીવન જીવવાથી જીવનમાં શાંતિ મળે છે. આવા વ્યક્તિના જીવનમાં કોઈ દેખાડો હોતો નથી. આવા વિચાર વાળા વ્યક્તિઓનું વ્યક્તિત્વ અને તેમનું ચરિત્ર એકદમ સાદુ હોય છે. તે હંમેશાં બીજાના હિત માટે વિચારતા હોય છે. તેમના જીવનમાં ખરાબ ભાવ માટે કોઈ જગ્યા નથી હોતી. તેમના જીવનમાં સ્વાર્થીપણું નહિ પણ જનહિતપણું છુપાયેલું હોય છે.

આપણા વિશ્વના ઈતિહાસમાં એવા કેટલાય મહાપુરુષોના નામ છે કે જેમણે પોતાના સ્વાર્થને ત્યાગીને હંમેશાં બીજાનું કલ્યાણ જ સર્વોપરી માન્યું છે. ગાંધીજી, ઈશ્વરચંદ્ન વિદ્યાસાગર, રવીન્દ્નનાથ ટાગોર, મધર ટેરેસા, ગુરુનાનક, ગૌતમ બુદ્ધ, સ્વામી વિવેકાનંદ, પરમ પૂજ્ય હરિપ્રસાદ મહારાજ, તથા બીજા ઘણા મહાપુરુષોએ એકદમ સીધુ સાદુ જીવન જીવીને માનવતાના વિકાસ માટેના કાર્યો કર્યાં છે. આ બધા સમ્પન્ન પરિવારોમાં પેદા થયા હતા, પરંતુ સંસારના ભૌતિક સુખ તેમને પોતાની તરફ ન ખેંચી શક્યા. આ તમામ મહાનુભાવોના જીવનમાં મુખ્ય ગુણ ‘સાદગી’ રહેલો છે.

સાદુ જીવન જીવવાથી ઉચ્ચ વિચારો પોતાની જાતે જ મનમાં પોતાનું ઘર બનાવી લે છે. જે વ્યક્તિના વિચારો ઉચ્ચ નથી હોતા તે પશુ સમાન છે. સાદગી પ્રિય વ્યક્તિ કઠોરમાં કઠોર વ્યક્તિના હ્નદયને પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવતો હોય છે. આવો વ્યક્તિ જ સમાજ તથા રાષ્ટ્રનો નિર્માણકાર બને છે.

મહાત્મા ગાંધીએ કહ્યું છે કે “સદાચાર એટલે કે સારા આચરણમાં થોડી પણ ચૂક રહી જાય તો મને રડવું આવે છે.” આવા વિચાર વાળા વ્યક્તિ કેટલા આદર્શ હોય છે.

પરમ પૂજ્ય સ્વામીજી કહે છે કે, “યુવાનો મારું સર્વસ્વ છે.” કેટલો ઉચ્ચ વિચાર….!!!

સાદુ જીવન, ઉચ્ચ વિચારમાં વિશ્વાસ રાખવા વાળા સજ્જનોનું ચરિત્ર બધા લોકોને આનંદિત કરી દે છે.

તો આવા જ સજ્જન પુરુષોની ચર્ચા સુહ્નદમ હાઉસની ટીમે અઠવાડિક પ્રાર્થનાસભામાં કરી હતી. જેમાં પ્રથમ દિવસે પ્રેરક સરે PPTના માધ્યમથી વોરન બફેટનો મહિમા વર્ણવ્યો, ત્યારબાદ મંગળવારે પ્રભુમગ્ન સરના સાનિધ્ય હેઠળ ડૅા.ઈ.શ્રીધરન વિશે માહિતી આપી, ત્યારપછી બુધવારના રોજ આનંદ સરની પ્રેરણા હેઠળ શ્રી નરેન્દ્નભાઈ મોદીના દેશ માટેના ઉચ્ચ વિચારો વર્ણવ્યા, તથા ત્યારબાદ શનિવારના રોજ અર્ચના મેડમે અઝીમ પ્રેમજીના જીવનમાં રહેલી સરળતા અને ઉચ્ચ વિચારો વિશે આત્મીય વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા.

આમ, શિક્ષકોના માર્ગદર્શન હેઠળ, સુહ્લદમ હાઉસની ટીમે વિડિઓ, પ્રસ્તુતિઓ અને ભાષણો દ્વારા દૈનિક પ્રાર્થનાસભામાં Simple Life High Thinking ઉપર ચર્ચા કરી બાળકોમાં મૂલ્યશિક્ષણ શીખવવાનો એક નમ્ર પ્રયાસ કર્યો હતો.

આજના આ ભાગાદોડી વાળા જીવનમાં સમાજનું જીવનદર્શન તથા જીવન સ્તર બદલાઈ રહ્યું છે. આજે કૃત્રિમતાએ આપણને પૂરી રીતે જકડી રાખ્યા છે. આપણી આંતરિક ઉન્નતિ તરફ કોઈ ધ્યાન નથી આપતું. આપણે બીજાની નજરમાં તો મહાન બનવાની કોશિશ કરીએ છીએ પરંતુ પોતાની જ નજરોમાં આપણે પડી જઈએ છીએ. આપણો અહમ આપણને ખોટું કાર્ય કરાવે છે. જેના કારણે આપણું નૈતિક પતન થઈ જાય છે. પરંતુ આપણા માટે તે શ્રેષ્ઠ હશે કે, આપણે પણ આવા મહાપુરુષોના જીવનમાંથી, પ્રેરણા લઈને બાહ્ય દેખાડાથી બચીએ, તથા સરળ જીવન જીવવાની સાથે સાથે ઉચ્ચ વિચાર રાખીએ.

જય સ્વામીનારાયણ.

લેખક: ગૌતમ સર