માનવજીવનનું સાચું સૌંદર્ય ભૌતિક સુખ-સગવડો, આડંબર કે બ્રાન્ડેડ વસ્તુઓમાં નથી, પરંતુ સાદગીભર્યા જીવન અને ઊંચા વિચારોમાં વસે છે. સાચી સફળતા તેને જ મળે છે, જે પોતાનું જીવન સરળ રાખીને પોતાના વિચારોને ઉન્નત બનાવે છે. આજના સમયમાં જ્યાં દેખાવ અને ભૌતિકતાને જ સુખનો માપદંડ માનવામાં આવે છે, ત્યાં સાદગી અને ઉચ્ચ વિચારો જ આપણને સાચા અર્થમાં માનવતા તરફ દોરી જાય છે.
આત્મીય વિદ્યામંદિરમાં સુહૃદમ હાઉસે આ જ મૂલ્યને ઉજાગર કરતી અનોખી ક્રિએટીવ એસેમ્બલી ઉજવી. જેનું શીર્ષક હતું – “Simple Life and High Thinking”. આ ક્રિએટીવ એસેમ્બલી દ્વારા વિદ્યાર્થીઓમાં સંદેશ પ્રસ્થાપિત કર્યો કે, ‘સાદગીભર્યું જીવન એ જ સાચી સ્ટાઇલ છે, અને ઊંચા વિચારો જ જીવનનો સાચ્ચો ટ્રેન્ડ છે.’
તારીખ 16 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે 6:00 વાગ્યે પ્રાર્થના હોલમાં યોજાયેલી આ એસેમ્બલીમાં પૂજ્ય સુહૃદ સ્વામી તથા પૂજ્ય નિમિત્ત સ્વામીની પવિત્ર ઉપસ્થિતિએ વાતાવરણમાં આધ્યાત્મિકતાનો સંચાર કર્યો.
કાર્યક્રમની શરૂઆત એન્કર દ્વારા ભાવસભર થઈ. વિદ્યાર્થીઓએ રજૂ કરેલા સંવાદમાં આજના 21મી સદીના યુવાનો સામે ઊભા થતા વાસ્તવિક પડકારો — જેમ કે બ્રાન્ડેડ વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ, દેખાવ માટેનું દબાણ, ખોટા મિત્રોનો પ્રભાવ તથા શિસ્તની કમી વગેરેને હળવી મજાક, રોજિંદા ઉદાહરણો અને ગંભીર સંદેશ દ્વારા સરળ અને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા.
આ સંવાદનો મુખ્ય કેન્દ્રબિંદુ અવિનાશ નામનો યુવાન હતો, જે બ્રાન્ડેડ શૂઝની પાછળ પાગલ હતો. એક મહિના પહેલાં જ નવા શૂઝ ખરીદ્યા હોવા છતાં, તે મિત્રના નવા શૂઝ જોઈને લાલચમાં પડે છે અને તેના પિતા પાસે ફરીથી નવા શૂઝની માંગણી કરે છે. પિતા તેને સમજાવે છે, “બ્રાન્ડથી નહીં, તારા વર્તનથી કિંમત વધે છે.” પરંતુ, બ્રાન્ડના મોહમાં અંધ થયેલો અવિનાશ આ વાતને સમજી શકતો નથી.
વાર્તામાં સૌથી મહત્ત્વનો વળાંક ત્યારે આવે છે, જ્યારે વિદ્યાર્થીઓ સંવાદમાં પૂજ્ય પ્રબોધ સ્વામીજીના જીવનનો એક પ્રસંગ રજૂ કરે છે. આ પ્રસંગમાં, ભક્તો દ્વારા તેમના માટે ચપ્પલ લાવવામાં આવે છે, પરંતુ ગુરુહરિ તેનો નમ્રતાપૂર્વક અસ્વીકાર કરે છે. તેઓ કહે છે કે, “આ ચપ્પલ તેમના પગ પર નહીં, પણ તેમના મન પર ભારરૂપ લાગે છે”. ગુરુહરિનો આ પ્રસંગ અવિનાશને તેની ભૂલનો અહેસાસ કરાવે છે. તેને સમજાય છે કે જ્યાં તે એક બ્રાન્ડ માટે પોતાના પિતાને દુઃખી કરે છે, ત્યાં ગુરુહરિ જેવી વિભૂતિ સાદગીને અપનાવીને લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત બને છે.
કાર્યક્રમમાં એક ખાસ રજૂઆત છે — positive અને negative વિચારોનું કુરુક્ષેત્ર. અવિનાશના મનમાં ચાલતા આ વિચારોની લડતને વિદ્યાર્થીઓએ હાસ્ય, તર્ક અને પ્રેરણાદાયક ઉદાહરણો દ્વારા જીવંત કરી. એક બાજુ નેગેટિવ વિચારોએ બ્રાન્ડ્સને Status અને Symbol તરીકે રજૂ કર્યા, તો બીજી બાજુ પોઝિટિવ વિચારોએ સ્વામી વિવેકાનંદ, ડૉ. રાજેન્દ્રપ્રસાદ, પૂજ્ય વિજય સર અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી જેવા મહાનુભાવોના જીવનપ્રસંગો દ્વારા સાદગી અને ઊંચા વિચારોનું મહત્વ સમજાવ્યું.
ત્યારબાદ સરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ Simplicity vs Trendy Life પર Debate રજૂ કરી. Trendy ટીમે સ્ટાઇલ અને બ્રાન્ડને આત્મવિશ્વાસનું સૂત્ર ગણાવ્યું, જ્યારે Simplicity ટીમે અલગ-અલગ ઉદાહરણો આપી સાબિત કર્યું કે, દરેક નવો Trend સાચો પ્રગતિનો માર્ગ નથી હોતો. સરે અંતે સ્પષ્ટ કર્યું કે, — ‘જીવન બાહ્ય દેખાડા માટે નહીં, પરંતુ એક ઊંચા ધ્યેય માટે જીવવું જોઈએ.’
દરેક વિદ્યાર્થીએ પોતાનું પાત્ર આત્મવિશ્વાસ, સ્પષ્ટ અભિવ્યક્તિ અને સુંદર અભિનયથી નિભાવ્યું. તેમના ટીમવર્ક અને સંકલનથી હાઉસની એકતા તથા સમર્પણ ઝળકી ઊઠ્યું.
આ સમગ્ર એસેમ્બલી ફક્ત સંવાદ ભજવવા પૂરતી ન રહી, પરંતુ જીવનનો અરીસો બની ગઈ. સુહૃદમ હાઉસે સફળતાપૂર્વક એ સંદેશ સ્થાપિત કર્યો કે — ‘સાચી સફળતા ભૌતિકતા પાછળ આંધળી દોટ મૂકવામાં નથી, પરંતુ ઉચ્ચ વિચારો, ચારિત્ર્ય અને આંતરિક સંતોષમાં છે.’ આ ક્રિએટીવ એસેમ્બલી ખરેખર સંકલન, સમર્પણ અને આધ્યાત્મિક ચેતનાનું જીવંત પ્રેરક ઉદાહરણ પુરવાર થઈ.
ગૌતમ સર

