શરદપૂર્ણિમા એટલે ધરતીનો અદ્ભુત અને મંગલકારી દિવસ, મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીજીનો પ્રાગટ્ય દિવસ, આપણા ભાગ્યનો ઉદય થવાનો દિવસ.

ભગવાન શ્રી સ્વામિનારાયણ આજના દિવસે ખૂબ ખૂબ કરુણા વરસાવીને સાકારબ્રહ્મને પોતાની સાથે લાવ્યા. જો તે  સાકારબ્રહ્મને સાથે ન લાવ્યા હોત તો આપણને ખ્યાલ જ ન આવ્યો હોત કે આપણે ભગવાન તથા ભક્તોની દાસભાવે સેવા કરવાની છે… દાસભાવે ભક્તિ કરવાની છે… ઝીરો થઈને જીવવાનું છે…

આજના જ દિવસે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીને પરમ પૂજ્ય યોગીજી મહારાજના સ્વહસ્તે ભાગવતી દીક્ષા આપવામાં આવી.

આપણી શાળામાં આવા મહામંગલકારી દિવસે અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અન્નકૂટ ઉત્સવમાં ભગવાનના ચરણે પ્રસાદ તરીકે વિવિધ વાનગીઓ ધરાવવામાં આવી હતી. ભગવાન આ બધી વિવિધ વાનગીઓ જમવાની સાથે સાથે આપણા આત્માના મૂળ રોગોને જેમ કે, હઠ, માન, ઈર્ષા તથા આપણા અહંકારને પણ આરોગે છે, તેવી શ્રદ્ધા સાથે સૌએ આ ઉત્સવનો આનંદ માણ્યો હતો.

અન્નકૂટની પવિત્રતા પૂજ્ય સર્વાતીત સ્વામી અને પૂજ્ય અક્ષર સ્વામીની ઉપસ્થિતિથી ખૂબ વધી ગઈ હતી. પૂજ્ય સર્વાતીત સ્વામીએ અન્નકૂટનું ખૂબ જ સરસ વર્ણન કરી તેનો મહિમા સમજાવ્યો હતો. તથા પૂજ્ય વિજય સરે પણ સમજાવ્યું કે આપણે ખૂબ નસીબદાર છીએ કે આપણને આવા પવિત્ર સંતોનું સાનિધ્ય તથા તેમના આશિષ અવાર-નવાર પ્રસંગોપાત પ્રાપ્ત થતા જ રહે છે.

અન્નકૂટની થીમ ‘દાદા ખાચરનો દરબાર’ હતી. સમગ્ર અન્નકૂટની ગોઠવણી વચ્ચે લીમડાનું વૃક્ષ હતું. અને તેની નીચે પરમ પૂજ્ય સ્વામીજી અને પ્રગટ ગુરુહરિ પ્રબોધસ્વામીજી થાળ ગ્રહણ કરી રહ્યા છે એવું અનુપમ દર્શન થઈ રહ્યું હતું. આજુબાજુ ગાર માટીના ચણતરવાળી દીવાલો હતી. અન્નકૂટના ડેકોરેશનની તથા કોરા પ્રસાદની તૈયારી ઘણા સમયથી ચાલું થઈ ગઈ હતી.

અન્નકૂટની પ્રસાદીમાં ભક્તો દ્વારા બનાવેલી વિવિધ વાનગીઓ ધરાવવામાં આવી હતી. જેમ કે, દાલબાટી, સમોસા, પીઝા, ઢોંસા, દાબેલી, વડાપાઉં, બર્ગર, પાણીપુરી, ટાકોસ, સેન્ડવીચ, હાંડવો, ઢોકળાં, થેપલાં, કેનાપીસ વગેરેની સાથે ઘણા જ્યુસ ને ઠંડાપીણાં પણ હતા. તથા ચોકલેટનો તો ભંડાર હતો.

અંતમાં, અમે સૌએ ભેગા મળી આરતી કરી અને થાળ ધરાવતી વખતે સ્વામીશ્રી તથા ગુરુહરિને પ્રાર્થના કરી કે, ‘જેમ ખટાશ, મીઠાશ, તીખાશ અને ખારાશથી વિવિધ વાનગીઓ સ્વાદિષ્ટ બને છે, તેમ અમે સૌ પણ વિવિધ સ્વભાવ, પ્રકૃતિ ને દોષથી ભરેલા છીએ તે છતાં અમે સૌ અરસ-પરસ એકબીજાના સ્વભાવ-પ્રકૃતિને ગમાડી, આત્મીય બની શકીએ એવું બળ આપશોજી.’

જય સ્વામિનારાયણ !!!

ભૂલકું પ્રીત અને નિરામય (ધોરણ – 10)