નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ ।

વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ॥

બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી… એ જ આપણી ઉપાસના અને આ ઉપાસનાનું યથાર્થ જ્ઞાન કરાવનાર મૂળ અક્ષર શ્રી ગુણાતીતાનંદ સ્વામી જો આ ધરા પર ના આવ્યા હોત તો….??

શરદપૂર્ણિમાનો શુભમંગલકારી દિન એટલે અનાદી મૂળઅક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્યદિન. આ દિવસનો મહિમા અપરંપાર છે કારણ કે આ દિવસે ભગવાન સ્વામીનારાયણ ગુણાતીતાનંદ સ્વામીને લઈને આવ્યા. અને આ જ મહામંગલકારી શુભ દિને ગોંડલમાં ગુરુવર્ય યોગીજી મહારાજે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીશ્રીને ભાગવતી દીક્ષા આપી હતી. આ દિવસનો મહિમા આપણા સૌના હૃદયમાં સ્થિર રહે તે માટે આત્મીય વિદ્યા મંદિરમાં આ વર્ષે અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

આ દિવસની ઉજવણીને બે ભાગમાં વહેંચવામાં આવી હતી. જેમાં સવારે ધોરણ 1 થી 6ના ભૂલકાંઓ માટે ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાંથી સંવાદ તથા પ્રશ્નોત્તરી યોજવામાં આવી હતી. કાર્યક્રમનું નામ હતું “ચાલો થઈએ ગુણાતીત જેવા”.

કાર્યક્રમની શરૂઆત શ્રી ઠાકોરજીના પૂજનથી કરવામાં આવી. પૂજ્ય વિજયસર અને પૂજ્ય પ્રિયવદનસરે શ્રીઠાકોરજીનું પૂજન કરી હાર વિધિ કરી હતી. ત્યારબાદ ધોરણ 6ના વિદ્યાર્થીઓએ એક જ દિવસમાં બે સંવાદની તૈયારી કરી હતી. જેમાં પહેલો સંવાદ હતો “ભજન કરવાની ઉંમર”, જેનો સાર એ હતો કે, જ્યારે ઘરડા થઈએ ત્યારે હાથ, પગ, કાન, આંખ બરાબર કામ ન કરે ત્યારે પ્રભુ ભજી શકાય નહિ. અને પ્રસંગમાં મૂળજી શર્માએ સમજણ આપી કે, “બાળપણ જ પ્રભુ ભજવાની ઉંમર છે.”

વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી હતી કે અમે પૂજા, આરતી, દંડવત, પ્રદક્ષિણા, ભજન, ભક્તિ તથા અભ્યાસમાં આળસ ન કરીએ એ માટે બળ આપશોજી.

બીજો પ્રસંગ શ્રીગુણાતીતાનંદ સ્વામીની વાત પરથી હતો. સ્વામીનારાયણ હરે સ્વામીએ વાત કરી જે, ‘ખાધાનું મળે પણ ખાધા વિના તેનું સુખ ન આવે. લૂગડાં-ઘરેણા મળે પણ પહેર્યા વિના તેનું સુખ ન આવે. તેમ સાધુ સમાગમ વિના સત્સંગનું સુખ ન આવે.’ આ વાતના આધારે સંવાદ કર્યો હતો.

અને સંવાદના અંતે વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી હતી કે આ આત્મીય વિદ્યા મંદિર ચિંતામણી જ છે. તો અમે સૌ શ્રી ગુણાતીતાનંદસ્વામી જેવા સરળ થઈ સોના જેવા થઈએ.

ત્યારબાદ ધોરણ 1 થી 3ના ભૂલકાંઓએ 1 થી 25 સ્વામીની વાતો મુખપાઠ કરી હતી અને તેને આધારે પ્રશ્નોત્તરી રાખવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં પૂજ્ય વિજય સરે લાભ આપ્યો હતો અને તેમણે કહ્યું, ‘તમે બહુ નાની ઉંમરે ઘણું બધું શીખી રહ્યા છો. તમને જે આવડે છે તે બહુ અમૂલ્ય છે. જે કોઈને આવડતું નથી. તેનો કેફ, કાંટો અને મસ્તી આપણે રાખવાના.’

ત્યારબાદ સંધ્યાકાળે શ્રી ઠાકોરજીને વિધવિધ વ્યંજનો અને મિષ્ઠાનનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સ્વામીશ્રીએ વર્ષો પહેલા પરદેશમાં કહ્યું હતું કે આપણે શરદપૂર્ણિમાના દિવસે અન્નકૂટ કરવો છે. પરંતુ આ વર્ષથી તેની શરૂઆત કરવામાં આવી.

આ કાર્યક્રમની શરૂઆત શ્રી ઠાકોરજીના પૂજનથી કરવામાં આવી હતી. ત્યારબાદ પૂજ્ય વિજય સરે શરદપૂર્ણિમાના મહાત્મ્ય વિશે ભૂલકાંઓને વાત કરી. જેમાં સરે ખૂબ જ સરળ ભાષામાં અને તેઓ સમજી શકે તેવા ઉદાહરણો દ્વારા આપણે આ દુનિયામાં આવ્યા પરંતુ આપણે ખરેખર કોણ છીએ? આપણે કોના જેવા થવાનું? અને કેવી રીતે વર્તવાનું છે? તે સનાતન શાસ્ત્રો અને ભગવાન સ્વામીનારાયણની પરાવાણીનો આધાર લઈને બાળકોને સૂઝ આપી.

આગળ સમજાવતા તેઓએ જણાવ્યું કે એક મનુષ્ય તરીકે આપણે શું વિચારવું? તો એ કે, ‘હું બ્રહ્મ છું અને આપણી આજુબાજુ બધા પણ બ્રહ્મ જ છે.’ અને આપણે દાસભાવે વર્તવાનું છે.

મનુષ્યજાતિને ખબર નથી કે દાસભાવે કેવી રીતે વર્તવું તો એને માટે ભગવાન સ્વામીનારાયણ શરદપૂર્ણિમાના દિવસે ગુણાતીતાનંદ સ્વામીને સાથે લાવ્યા. જેથી આપણને સૂઝ પડે અને આપણે પોતાની જાતને પણ ઓળખી શકીએ કે, ‘હું અક્ષરબ્રહ્મ છું અને પરબ્રહ્મમાં જોડાવા માટે મને આ મનુષ્ય દેહ મળ્યો છે.’

ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી. પછી બધા બાળકોએ અન્નકૂટના દર્શન કર્યા અને પ્રસાદ લીધો.

ત્યારબાદ રાત્રે સૌ બાળકોને ગરબા રમાડવામાં આવ્યા. જેમાં તેઓએ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ભાગ લીધો.

ગૌતમ સર

Junior Hostel Celebration of Sharad Purnima 2022

Shree Thakorji Annakut Utsav

Garba Utsav