જળઝીલણી એકાદશીનું માહત્મ્ય

ભાદરવો માસપણ વ્રતોત્સવનો મહિનો ગણાય છે. ભગવાન અષાઢ સુદિ એકાદશીએ પોઢવા પધારે છે અને કારતક સુદિ એકાદશીએ જાગ્રત થાય છે. પરંતુ ભાદરવા સુદિ એકાદશીએ ભગવાન પડખું બદલી પરિવર્તન કરે છે. આ દિવસે નારાયણ ગાઢ નિદ્રામાંથી પોતાનું પડખું આનંદથી ફેરવે છે, એમ મનાય છે. એટલે આ એકાદશીને પાર્શ્વ પરિવર્તિની એકાદશી તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે જળઝીલણી ઉત્સવની પરંપરા છે.

આ પાવન દિવસે ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદસ્વામીજીના પ્રગટ્ય સ્થાને ભાદરામાં આવેલી ઊંડ નદીમાં ભક્તવૃંદ સાથે ચલાખારૂપી નૌકામાં જળવિહાર કરી દિવ્યતાની અનુભૂતિ કરાવી હતી. જળઝીલણી એકાદશીના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે યમુનામાં નૌકાવિહાર કર્યો હતો. ત્યારથી આ પરંપરા ચાલી આવી છે. તેવું પણ શાસ્ત્રોમાં વર્ણન જોવા મળે છે. ભવસાગર પાર ઉતરવા માટે ગોપીઓની જેમ ભક્તોએ ભગવાન અને ગુરુના ચરણે મન અર્પિત કરવું જોઈએ તેવો સંદેશો આ જળઝીલણી એકાદશીથી મળે છે.

તા. 20-09-2018ના રોજ સાંજે 5:30 થી 6:30 દરમ્યાન આત્મીય વિદ્યા મંદિરના પટાંગણમાં શાળાના સૌ ભૂલકાંઓ સાથે પૂજ્ય સુહ્રદસ્વામીજી, પૂજ્ય સંબંધજીવનસ્વામીજી, પૂજ્ય વિજય સર, પૂજ્ય નટુદા, પૂજ્ય અર્જુનમામા તથા સર્વે શિક્ષકગણની ઉપસ્થિતિમાં ભક્તિસભર હૈયે જળઝીલણી એકાદશીનો ઉત્સવ ઉજવાયો.

ધૂન-કીર્તનના તાલે શાળાના પરિસરમાં શ્રીઠાકોરજીની શોભાયાત્રાનો પ્રારંભ થયો. જેમાં ધોરણ 12ના સૌ ભૂલકાંઓ જોડાયા હતા. શ્રીઠાકોરજીના જળવિહાર માટે સુંદર નયનરમ્ય પુષ્પાચ્છાદિત સુશોભન કરી તરણકુંડ તૈયાર કરવામાં આવ્યો હતો. સંતવર્ય પૂજ્યસુહ્રદસ્વામીજી, પૂજ્ય સંબંધજીવનસ્વામીજી તથા પૂજ્ય વિજય સર દ્વારા શ્રીઠાકોરજીનું પૂજન કરી શ્રીઠાકોરજીના ચરણે પ્રાર્થના પુષ્પ અર્પણ કર્યા બાદ આરતી કરવામાં આવી. પૂજ્ય સુહ્રદસ્વામીજીએ જળઝીલણીનું માહત્મ્ય સમજાવી સ્વામીશ્રીને કેવી રીતે રાજી કરી તેમના પ્રત્યે સર્વોપરી નિષ્ઠા ર્દઢ કરી શકીએ તે વાત પ્રસંગો દ્વારા સંક્ષિપ્તમાં સમજાવી. સુહ્રદસ્વામીજીએ બાળકોને એ પણ અંતર્દષ્ટિ કરાવી કે આપણે સાચી જળઝીલણી એકાદશી તો જ ઉજવી કહેવાય કે જ્યારે સાચા અર્થમાં આપણા જીવનની નૈયા સ્વામીજીના ચરણોમાં સમર્પિત કરી તેમના ગમતા પ્રમાણેનું જીવન જીવી આ ઉત્સવને પોતાનો બનાવીએ.

ત્યારબાદ શ્રીઠાકોરજીને નૌકાવિહાર કરાવવામાં આવ્યો, જેમાં ધોરણ 5 થી 12ના સૌ ભૂલકાંઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. અંતમાં સહુ આત્મીયજનો કાકડીનો વિશિષ્ટ પ્રસાદ લઈ સૌ પોતાના ગંતવ્યસ્થાને પધાર્યા.

આ રીતે આત્મીય વિદ્યા મંદિરના પટાંગણમાં સંતોના પ્રાસંગિક આગમનથી જળઝીલણીનો ઉત્સવ અનેરો બની રહ્યો.

ગૌતમ સર