ભગવાન શ્રીકૃષ્ણના જન્મની કહાનીનો અર્થ ગહન છે. દેવકી શરીરનું પ્રતિક છે અને વાસુદેવ જીવન શક્તિ એટલે કે પ્રાણ. જયારે શરીર પ્રાણ ધારણ કરે છે, તો આનંદ અર્થાત કૃષ્ણનો જન્મ થાય છે.

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી

હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી

જય રણછોડ, માખણ ચોર.

શ્રી શુકદેવજી રાજા પરીક્ષિતજીને કહે છે –

सकृन्मनः कृष्णापदारविन्दयोर्निवेशितं तद्गुणरागि यैरिह।
न ते यमं पाशभृतश्च तद्भटान्‌ स्वप्नेऽपि पश्यन्ति हि चीर्णनिष्कृताः॥

જે મનુષ્ય ફક્ત એકવાર શ્રીકૃષ્ણના ગુણો અને લીલામાં પ્રેમ કરનારા બને છે એ પાપોથી છૂટી જાય છે, અને તેને યમદૂતોના દર્શન પણ થતા નથી.

ભગવાનના લીલા ચરિત્રોને વાગોળીએ તો જીવનમાં આનંદ અને શાંતિ બની રહે છે.

પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીશ્રીની પ્રેરણા અને આશીર્વાદથી આત્મીય વિદ્યામંદિરમાં પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવ તથા મટકીફોડ એટલે કે દહીહાંડીના ધાર્મિક પરંપરાને જીવંત રાખવામાં આવી છે.

આત્મીય વિધ્યામંદિરના પરિશરમાં તારીખ ૨૬ ઓગસ્ટે સાંજના ચાર ત્રીસથી પાંચ કલાકે ફૂટબોલ ગ્રાઉન્ડમાં મટકીફોડનો કાર્યક્રમ શાળાના સંચાલકશ્રી તથા સ્પોર્ટસ શિક્ષકના માર્ગદર્શન હેઠળ થયો હતો. શાળાના દરેક ભૂલકાંઓએ ઉત્સાહભેર અને જોશ સાથે ભાગ લીધો હતો.

સતત એક કલાક ચાલેલા આ વિશેષ કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૧૨ ના ભૂલકાંઓના વયજૂથને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓના કુલ ત્રણ ગ્રુપ બનાવી, ત્રણ મટકી બાંધવામાં આવી હતી. પ્રથમ ગ્રુપમાં ધોરણ ૪ થી ૬ ના ભૂલકાંઓનો, દ્વિતિય ગ્રુપમાં ધોરણ ૭ થી ૯ ના ભૂલકાંઓનો તથા તૃતિય ગ્રુપમાં ધોરણ ૧૦ થી ૧૨ ના ભૂલકાંઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

કૃષ્ણભક્તિના સુંદર ભજનની સાથે તથા પાણીના સતત છંટકાવની સાથે આનંદ અને જોશ સહ ત્રણે ગ્રુપના ભૂલકાંઓએ દહીહાંડીને ફોડવાનો આનંદ લીધો હતો. મટકીફોડના કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે ધોરણ ત્રીજામાં ભણતા ભૂલકાએ સૌથી ઉપર રહી કૃષ્ણવેશ ધારણ કરી મટકી ફોડી હતી.

શ્રી કૃષ્ણની લીલાના આનંદને વાગોળતાં વાગોળતાં તથા હરખાતાં મુખે અંતે સર્વએ ભારતીય પરંપરા મુજબ પ્રસાદ ગ્રહણ કર્યો.

Rekha Ma’am