પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ ।
ભક્તાવાસં સ્મરેનિત્યં આયુ:કામાર્થસિદ્ધયે ॥

કોઈ પણ શુભકાર્યના પ્રારંભે દેવાધિદેવ ગણેશજીનું પ્રથમ અને વિશિષ્ટ સ્થાન ગણાય છે. તેઓને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે. તેમની એકાગ્રચિત્તે ઉપાસના કરવાથી સર્વ પ્રકારના વિઘ્નો ટળી જાય છે. આવા સુખકર્તા – વિઘ્નહર્તા – રિદ્ધિ સિદ્ધિના દાતા – ગણનાયક – દેવાધિદેવ મહાદેવ તથા ગૌરીપુત્ર ગણેશજીનો જન્મ ભાદરવા સુદ ચોથના દિવસે થયો હતો. ગણપતિજીની તમામ લાક્ષણિકતાઓમાં કોઈને કોઈ મર્મ છુપાયેલો છે.

ગણેશજીના ચારેય હાથમાં અલગ અલગ વસ્તુઓ છે. પ્રથમ હાથમાં અંકુશ છે, જે વાસના અને વિકૃતિ ઉપર નિયંત્રણ સૂચવે છે. બીજા હાથમાં પાશ છે, જે ઇન્દ્નિયોને શિક્ષા કરવાની સૂચવે છે. ત્રીજા હાથમાં મોદક છે, સંતોષપ્રદ આહાર સૂચવે છે. જેમાં આપણે સમાજમાં અને આપણી વાણીમાં મીઠાશ પ્રસરાવી શકીએ. જ્યારે ચોથો હાથ સત્યનું પાલન કરતા ભક્તોને આશીર્વાદ સૂચવે છે. તેમનું મોટું પેટ ઔદાર્યતાની સમજ આપે છે. તેઓના વિશાળ કાન સૌને સાંભળવા અને તેમાંથી સત્યનું તારણ કરવાની સૂચના આપે છે. ગણેશજીના ટૂંકા પગ સંસારની ખોટી દુન્વયી વસ્તુઓ પાછળ ખોટી દોડધામ ન કરવી, પરંતુ બુદ્ધિપૂર્વક ધીમે છતાં મક્કમ ગતિએ પોતાના કાર્યમાં આગળ વધવાનું સૂચવે છે.

પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીશ્રીએ પણ તેમની પરાવાણીમાં કહ્યું છે કે, “ગણપતિજી તેમના માતા-પિતા આગળ સરળ વર્ત્યા. ગણેશજીના ભગવદી માતા પાર્વતી હતા. તેઓએ તેમને શિખવેલું કે કોઈ પણ પરિસ્થિતિ હોય તમારે પિતા સામે સરળ થઈ જવાનું. જેના ફળસ્વરૂપે તેમની પાંચેય ઇન્દ્નિયો પોઝિટિવ થઈ ગઈ.” સ્વામીશ્રી આપણને હંમેશાં કહે છે કે આપણે પણ આપણા ભગવદી આગળ સરળ થઈ જવાનું, જેથી આપણી પણ પાંચેય ઇન્દ્નિયો પોઝિટિવ થઈ જાય.

તો આવો જ ભાવ આત્મીય વિદ્યા મંદિરના ભૂલકાંઓમાં કંઈક અંશે પ્રગટે એવા હેતુસર દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સવને ગણેશચતુર્થીના રૂપમાં ખૂબ જ આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવ પૂર્વક ધૂમધામથી ઊજવવામાં આવ્યો હતો. જેમાં તા. 25 ઑગસ્ટ 2017ને શુક્રવારના રોજ સાંજે લગભગ 4:30 કલાકે મંગલમય ઘડીમાં વાજતે-ગાજતે પ્રાર્થનાહોલમાં ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ સ્થાપના બાદ સામાન્યત: અનંત ચતુર્દશીએ તેમનું વિસર્જન કરવામાં આવે છે. તેમ છતાં બીજા, ત્રીજા, પાંચમાં અને સાતમા દિવસે પણ ગણેશજીનું વિસર્જન કરાતું હોય છે. અહીંયા ગણેશજીને પરંપરા મુજબ વિધિવત પાંચ દિવસ સુધી પૂજા કરવામાં આવી અને ત્યારબાદ પાંચમે દિવસે તા. 29 ઑગસ્ટ 2017ને મંગળવારના રોજ સાંજે 4:30 કલાકે પૂજન બાદ ઝરમર વરસતા વરસાદમાં સૂત્રોચ્ચાર સાથે શાળાની ફરતે ગણપતિજીનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો. જેમાં શાળાના સૌ ભૂલકાંઓએ તથા સમગ્ર શાળા પરિવાર જોડાઈને આનંદ અને ઉત્સાહથી ગૌરી પુત્રને ભાવભીની વિદાય આપી હતી.

વિઘ્ન હર્તા ગણેશજીને કોટિ કોટિ વંદન….

Reported by: Gautam Sir