Ganesh Chaturthi 2016

ભગવાન શ્રીગણેશને બધા દેવી-દેવતાઓમાં અગ્ર પૂજ્ય માનવામાં આવે છે. ભગવાન ગણેશને બુદ્ધિના દેવતા માનવામાં આવ્યા છે. દરેક મંગલ કાર્યમાં સૌથી પ્રથમ તેમનું સ્મરણ કરવામાં આવે છે.

આપણા ઘર્મગ્રંથમાં જણાવાયું છે કે ભગવાન વેદ વ્યાસે મહાકાવ્ય મહાભારતની રચના કરી, પરંતુ એ મહાકાવ્યનું લખાણ શક્ય થતું ન હતું. એટલે એમણે ગણપતિનું આહ્વાન કર્યું અને લખાણ કરવા વિનંતી કરી.
લખાણ દિવસ રાત ચાલે તેમ હતું અને તે દરમિયાન અન્ન પાણી વગર સતત એક જ જગ્યાએ બેસવાનું હોવાથી ગણેશજીના શરીરનું તાપમાન ન વધે તે માટે વેદ વ્યાસજીએ ગણેશજીના શરીર ઉપર માટીનો લેપ લગાડી દીધો. અને ભાદરવા ચોથના રોજ પૂજા કરી લખાણ શરૂ કર્યું. માટીના લેપને કારણે ગણેશજીનું શરીર અકડાઈ ગયું, જેથી તેમને પાર્થિવ ગણેશ કહેવાય છે. લખાણ દસ દિવસ સુધી ચાલ્યું. એ દિવસ અનંત ચૌદસ હતો. વેદ વ્યાસજીને ગણેશજી તરફ જોતા જણાયું કે એમના શરીરનું તાપમાન ઘણું વધુ હતું તે ઓછું કરવા અને શરીર પરથી માટીનો લેપ ઉતારવા ગણેશજીની પાણીમાં પધરામણી કરી. આમ ત્યારથી ગણેશજીની સ્થાપના અને વિસર્જનની પ્રથા છે. અને લોકમાન્ય તિલકે આ પ્રથાને સાર્વજનિક ગણેશોત્સવનું સ્વરૂપ આપી આપણને એક ઉત્સવ આપ્યો. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હટી જાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

આવા ભાવ અને આવા મહિમાને વધારવા દર વર્ષે આત્મીય વિદ્યા મંદિરમાં ગણેશ ચતુર્થીના તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં આ વર્ષે શ્રી ગણેશ ચતુર્થીનો તહેવાર 5 મી સપ્ટેમ્બર 2016ને સોમવારના રોજ મનાવવામાં આવ્યો હતો. આ શુભ અવસર પર મંગલ વાદ્યોના નાદ સાથે ગણેશજીનો વરઘોડો કાઢી સાંજે 4:30 કલાકની માંગલિક ઘડીમાં પ્રાર્થનાગૃહમાં તેમની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ સતત પાંચ દિવસ મંત્રોચ્ચાર સાથે ખૂબ આદર સત્કાર પૂર્વક તેમની ઉપાસના કરવામાં આવી.

9મી સપ્ટેમ્બરના રોજ સાંજે 5:30 કલાકે ગજાનનની વિધિવત્ પૂજા કરવામાં આવી. ત્યારબાદ ભક્તિમય ગીતો તથા ‘ગણપતિ બાપ્પા મોરિયા’, ‘એક, દો, તીન, ચાર… ગણપતિજીનો જયજયકાર’ જેવા સૂત્રાર્થ સાથે શાળાના પટાંગણમાં વરઘોડો કાઢવામાં આવ્યો. જેમાં આત્મીય વિદ્યા મંદિરના સમગ્ર ભૂલકાંઓ, શિક્ષકગણ અને પરિવાર જનોએ ખૂબ ઉમંગ અને ઉત્સાહ સાથે હૃદયના ઉદાત્ત ભાવથી ઉમાપુત્રને વિદાય આપી. ત્યારપછી નજીકની નદીમાં તેમનું વિધિ પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું.

ગણપતિ બાપા મોરિયા……મંગલ મૂર્તિ મોરિયા……

-ગૌતમ સર


ગણેશજીની સ્થાપના ની સ્મૃતિઓ:


વિસર્જન ની વેળાએ: